શિક્ષકશ્રી મિતેષભાઈ જેઠવાના વડપણ હેઠળ ધોરણઃ9ના વિદ્યાર્થીઓને વ્યસનમાટે વિષયાભિમુખ કરી નાના નાના જૂથમાં વહેંચી કાર્ય સોંપણી કરવામાં આવી. દરેક વિદ્યાર્થીઓ પોતે કંઇક નવું કરી/વિચારી પોતાના તારણો તેમાં ઉમેરવા માટે કટિબધ્ધ હતા. તેમણે સંશોધન/સર્વે/ડૉક્ટરની મુલાકાત/હૉસ્પિટલની મુલાકાત/મંદિરના વ્યસનમુક્તિ કેન્દ્રની મુલાકાત પરથી એકત્રિત કરી.
એક જૂથ ઇન્ટરનેટ તથા ડીજીટલ એન્સાયક્લોપેડીયા દ્વારા માહિતી એકત્રિત કરે છે ત્યારે બીજુ જૂથ લોકસંપર્ક દ્વારા કરી માહિતી એકત્રિત કરે છે કે એક વ્યસન કરતો સામાન્ય માણસ પોતાની કમાણીના કેટલા ટકા વ્યસન પાછળ ખર્ચે છે કે જેમાંથી એક વિદ્યાર્થીના શિક્ષણનો ખર્ચ નિભાવી શકાય ત્યારે ત્રીજુ જૂથ એશિયા ખંડની કેટલીક મોટામાં મોટી હૉસ્પિટલમાંની એક એવી સિવીલ હૉસ્પિટલ, અમદાવાદ ખાતે કેન્સર વિભાગમાં દર્દીઓની મુલાકાત લે છે તથા આ દર્દીઓ પૈકી કેટલા વ્યસનના શિકાર છે તે જાણી વ્યસનની ગંભીરતા નજીકથી સમજી વ્યસનમુક્તિ આંદોલન વધુ મજબૂત બનાવવાનો નિર્ધાર કરે છે. ચોથુ જૂથ ગાંધીનગર ખાતે જાણીતા અક્ષરધામ સ્વામિનારાયણ મંદિરના વ્યસનમુક્તિ કેન્દ્રની મુલાકાત લઇ મંદિર દ્વારા વ્યસનમુક્તિ માટે કરવામાં આવેલ પ્રવૃત્તિઓનો અભ્યાસ કરી તે મંદિર તરફથી ભેટ મળેલ પોસ્ટર્સનું પ્રદર્શન ગોઠવવા માટે તૈયારી કરે છે.
દરેક જૂથ દ્વારા કરવામાં આવેલ પ્રવૃત્તિને અંતે એકત્રિત માહિતીનું વિશ્વલેષણ કર્યા બાદ વિદ્યાર્થીઓ આઘાત સાથે આંચકો અનુભવે છે કે સમાજમાં વ્યસને કેવી માઝા મુકી છે. દરેક કંપનીઓ પોતાની બનાવટનું વેચાણ વધારવા માટે કેવી જાહેરાત કરી લોકોને આકર્ષી વ્યસની બનાવવા મજબૂર કરે છે કે જેમાંથી સ્ત્રીઓ તથા બાળકો પણ બાકાત નથી. વધુ ચોંકાવનારી બાબત એ હતી કે સમાજના પ્રતિષ્ઠિત તથા શિક્ષિત લોકો પણ કોઇક ને કોઇક વ્યસનનો ભોગ બની ગયા હતા. વિદ્યાર્થીઓ સમાજ માટે કંઇક કરી દેખાડવા માટે મક્કમ બની એક પ્રેઝન્ટેશન તૈયાર કરે છે કે જેમાં વિગતવાર તેમણે કરેલ કાર્ય તથા તારણો ઉપાય સાથે સમજાવેલ હતા. આ પ્રેઝન્ટેશન તેમણે શાળાના બાકીના વિદ્યાર્થીઓ, વાલીઓ, આસપાસના રહીશો, અક્ષરધામ મંદિરના સંતશ્રીઓ તથા વ્યસનમુક્તિ કેન્દ્ર, ગાંધીનગરના અધિકારીઓને બતાવ્યું.
દરેક લોકો પાસેથી મળતી શાબાશી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં ઉત્તરોત્તર વધારો કરતી હતી. તેમણે ત્યારબાદ લોકજાગૃતિ માટે પોસ્ટર્સ તથા બેનર્સ બનાવ્યા અને તે સાથે સાયકલ રેલીનું પણ આયોજન કર્યું. ઇન્ટરનેટ પરથી આરોગ્ય ખાતુ, ગુજરાત સરકારની વેબસાઈટ પરથી ગુટખાના વેચાણ પર પ્રતિબંધના નિયમની માહિતી મેળવી શાળાની આસપાસ પાનની દુકાનમાં વેચાતા ગુટખા તથા સિગારેટનું વેચાણ પણ બંધ કરાવ્યું કે જેમાં તેમને પાનની દુકાન વાળા પાસેથી પણ ખૂબજ સારો પ્રતિસાદ મળ્યો. વિદ્યાર્થીઓએ આ સમયે મણીપુરના તે આતંકવાદીઓ (separatist) નો પણ આભાર માની દાખલો આપ્યો કે જેમણે તમાકુના વેચાણ કે સેવન પર પ્રતિબંધ મુકેલ છે તથા સેવન કરતા પકડાવા પર મૃત્યુની ધમકી આપેલ છે. પરલોકજાગૃતિ માટે જે લોકોને તેમનું પ્રેઝન્ટેશન બતાવ્યું તેમને તેઓએ વ્યસનમાંથી મુક્ત થવાના પોતાના ઉપાયો પણ બતાવ્યા જેથી તેમણે કરેલ કાર્ય સમાજલક્ષી બની લોકો માટે ફાયદાકારક બની રહે.
કેટલાય વિદ્યાર્થીઓના વાલીઓ કે જેઓ ગુટખા, બીડી કે સિગારેટનું વ્યસન કરતા હતા તેઓએ આ પ્રોજેક્ટની સફળતારૂપે વ્યસન છોડી દીધું
વિદ્યાર્થીઓ તથા તેમના શિક્ષકશ્રી મિતેષભાઈ જેઠવાને હવે લાગે છે કે ગુજરાતમાંથી જો વ્યસન સદંતર નાબૂદ કરવામાં આવે તો ગુજરાતની પ્રગતિ કૂદકે ને ભૂસકે વધારી શકાય તેમ છે, લોકો બિનજરૂરી બંધનમાં સમય તથા પૈસાનો બગાડ થતો રોકે આપોઆપ જ તેમની પ્રગતિ શરૂ થઇ જશે. જે શિક્ષિત તથા પ્રતિષ્ઠિત લોકો વ્યસની છે તેના માટે પ્રોજેક્ટ ખૂબ જ પ્રેરણારૂપ બની રહ્યો.
સમાજના ખરા ઘડવૈયા એવા શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ કબૂલ્યું કે જો ટેક્નોલોજીના ઉપયોગ વિના અમે આ કાર્ય કર્યું હોત તો પ્રોજેક્ટ ફક્ત પૂર્ણ કરી શક્યા હોત પરંતુ સફળતા કદાચ ન મળી શકી હોત.
|